Wednesday, November 6, 2024
More

    નવરાત્રીના પ્રથમ દિવસે અયોધ્યા રામ મંદિરના શિખરની પ્રથમ શિલાનું કરાયું પૂજન: નિષ્ણાંતોની દેખરેખમાં અપાશે આખરી ઓપ

    આજે હિંદુઓના પવિત્ર તહેવાર નવરાત્રીનો પહેલો દિવસ છે. આ પવિત્ર દિવસે જ અયોધ્યાના રામ મંદિરના શિખરની પ્રથમ શિલાનું પૂજન કરવામાં આવ્યું છે. આ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા X પર જાણકારી અપાઈ હતી.

    ઓફિશિયલ એકાઉન્ટ પરથી કરાયેલ પોસ્ટમાં ટ્રસ્ટે લખ્યું હતું કે, “આજે પવિત્ર શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખરના પ્રથમ શિલાનું પૂજન અને સ્થાપના કરવામાં આવી હતી.”

    22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના (Ayodhya) ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રી રામલલા બિરાજમાન થયા બાદ મંદિરના (Ram Mandir) બાકીના ભાગ અને પરિસરનું નિર્માણકાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. જે જાણકારી સામે આવી છે તે અનુસાર રામ મંદિરના પહેલા માળનું બાંધકામ 90% પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આગામી મંદિર નિર્માણની કામગીરની રૂપરેખા તૈયાર કરવા મંદિર સમિતિ દ્વારા 12 સપ્ટેમ્બરના રોજ એક દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિર સમિતિ અધ્યક્ષ સહિતના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નક્કી થયું હતું કે મંદિરના શિખર નિર્માણનું કાર્ય આગામી મહિના ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયા સુધીમાં શરૂ થઇ જશે, જે હવે શરૂ થઈ ગયુ છે.