અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માંગણી કરનારા પાકિસ્તાને હવે ઈરાન પર અમેરિકી હુમલાની ટીકા કરી છે. પાકિસ્તાને આધિકારિક નિવેદન આપીને જણાવ્યું છે કે, અમેરિકાનો ઈરાન પર કરાયેલો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ઈરાનના પરમાણુ ઠેકાણાં પર હુમલો કરવો ખોટું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે એક આધિકારીક નિવેદન આપતા કહ્યું છે કે, “પાકિસ્તાન ઈરાનના પરમાણુ ઠેકાણાં પર અમેરિકી હુમલાની ટીકા કરે છે. ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાઓ બાદ આ હુમલો કરવામાં આવ્યો છે. અમે આ વિસ્તારમાં તણાવ વધવાની સંભાવનાના કારણે ખૂબ ચિંતિત છીએ.
— Ishaq Dar (@MIshaqDar50) June 22, 2025
વધુમાં પાકિસ્તાને ડાહી-ડાહી વાતો કરીને કહ્યું છે કે, “તમામ પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું પાલન કરવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતો અને ઉદ્દેશ્ય અનુરૂપ સંવાદ, કૂટનીતિનો સહારો લેવો જ વિસ્તારમાં સમસ્યાઓના સમાધાનનો એક માત્ર રસ્તો છે.
અમેરિકા દ્વારા કરવામાં આવેલો આ હુમલો પાકિસ્તાન માટે શરમજનક ગણવામાં આવી રહ્યો છે. કારણ કે, પાકિસ્તાને 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું હતું. પાકિસ્તાની સેનાના વડા આસીમ મુનીરે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર આપવાની માંગણી કરી હતી. તેવામાં અમેરિકાએ જ ઈરાન પર હુમલો કરીને પાકિસ્તાનને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધું છે.