ઑસ્ટ્રિયાના (Austria) દક્ષિણી શહેર ગ્રાઝમાં (Graz) 10 જૂન, 2025ના રોજ એક શાળામાં (Firing in High School) થયેલા ગોળીબારની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 8 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે, જેમાં 7 વિદ્યાર્થીઓ અને 1 પુખ્ત વ્યક્તિનો સમાવેશ થાય છે.
ગ્રાઝના મેયર એલ્કે કાહરે ઑસ્ટ્રિયા પ્રેસ એજન્સીને આ માહિતીની પુષ્ટિ કરી. શંકાસ્પદ ગુનેગાર આ જ શાળાનો વિદ્યાર્થી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ તેણે ગોળીબાર કર્યા બાદ શાળાના વૉશરૂમમાં જઈને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ મુજબ આ ઘટના 10 જૂને સ્થાનિક સમય અનુસાર સવારે 10:00 વાગ્યે બની હતી. અહેવાલ અનુસાર, શૂટરે બે વર્ગખંડોમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 20થી વધુ ગોળીઓ ચલાવવામાં આવી. આ ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
ઘટના બાદ પોલીસે તાત્કાલિક શાળાને ખાલી કરાવી દીધી હતી. વધુમાં જણાવ્યું કે સ્થિતિ હવે ‘નિયંત્રણમાં’ છે અને કોઈ વધુ જોખમ નથી. ઘટનાસ્થળે કોબ્રા ટેક્ટિકલ યુનિટ સહિતના વિશેષ દળો તહેનાત કરવામાં આવ્યાં હતાં તથા પોલીસ હેલિકોપ્ટરની મદદથી વિસ્તારનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું.
પોલીસે હજુ સુધી શૂટરની ઓળખ અથવા હુમલાના હેતુ વિશે સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ ઘટનાને ઑસ્ટ્રિયાના ઈતિહાસમાં સૌથી ઘાતક ગણવામાં આવી રહી છે.