Tuesday, March 18, 2025
More

    અંકલેશ્વરથી ભરૂચ જઈ રહેલી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ: પેસેન્જરોને અધવચ્ચે ઉતારી કરાયો બચાવ

    મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં (Mumbai-Amritsar Express Train) આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, અંકલેશ્વરથી (Ankleshwar) ભરૂચ (Bharuch) જઈ રહેલી ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી ગઈ હતી. ઘટનાને લઈને અધવચ્ચે જ પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ શકી નથી. ઉપરાંત પેસેન્જરોને પણ અન્ય ડબ્બામાં બેસાડીને ટ્રેનને ભરૂચ તરફ રવાના કરવામાં આવી છે.

    ભરૂચમાં ફાયર વિભાગની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. ફાયર વિભાગની ટીમો ટ્રેનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરશે. ક્યા કારણોસર આગ લાગી હતી, તે વિશેની માહિતી હજુ સામે આવી શકી નથી. પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાય રહ્યું છે.

    આગ લાગ્યાના થોડા સમય બાદ તરત જ અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. જેના કારણે ટ્રેનને વચ્ચે જ રોકી દેવામાં આવી હતી. જે બાદ ડબ્બામાંથી પેસેન્જરોને ઉતારી દેવાયા હતા અને અન્ય ડબ્બામાં ખસેડી દેવામાં આવ્યા હતા. જેના પગલે કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી.