ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના NICU વૉર્ડમાં શુક્રવારે (15 નવેમ્બર) રાત્રે આગ લાગી ગઈ હતી, જેમાં દસ બાળકોનાં મોત થયાં છે અને અન્ય અમુક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં છે.
ઘટના શોર્ટ સર્કિટના કારણે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગ લાગવાથી હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી. તેમણે બાળકોને બહાર કાઢ્યાં અને આગ પર કાબૂ મેળવ્યો.
ઘટના સમયે NICUમાં કુલ 54 બાળકો હતાં, જેમાંથી 37ને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. ઘટનામાં 16 બાળકોને ઈજા પણ પહોંચી છે.
ઘટના બાદ જિલ્લા તંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને વિસ્તૃત તપાસના આદેશ આપ્યા હતા.
બીજી તરફ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર દુઃખ વ્યક્ત કરીને ઘાયલોને સર્વોત્તમ ચિકિત્સા સુવિધા ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા હતા. તેમણે DIG પાસે આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે, તેમજ ડેપ્યુટી સીએમ અને સ્વાસ્થ્ય સચિવને રાત્રે જ ઝાંસી જવા માટે રવાના થવા માટે નિર્દેશ કર્યા હતા.