Friday, March 14, 2025
More

    રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં લાગી આગ, ત્રણનાં મોત: પોલીસે કહ્યું- રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ, સ્થિતિ નિયંત્રણમાં

    રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર સ્થિત એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર, આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. છઠ્ઠા માળે ચાલી રહેલા ફર્નિચરના કામ દરમિયાન શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

    આ ઘટનાને લઈને ACP બીજે ચૌધરીએ જણાવ્યું છે કે, સવારે 9થી 10 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. ત્રણ લોકોના મૃત્યુ થયા છે. એક ઇજાગ્રસ્તને હાલ સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું છે. હાલ આગ કાબૂમાં છે, બધા જ લોકોને બચાવી લેવાયા છે.

    વધુમાં જાણવા મળ્યું છે કે, દોઢથી બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવામાં આવ્યો છે. આ સાથે જ રાજકોટ પોલીસ કમિશનર, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પણ હૉસ્પિટલ પહોંચ્યા હતા અને સ્થિતિ વિશે માહિતી મેળવી હતી.