Monday, June 23, 2025
More

    હૈદરાબાદના ચારમિનાર નજીક ઈમારતમાં આગ, 6 બાળકો સહિત 17નાં કરુણ મોત 

    તેલંગાણા હૈદરાબાદમાં એક ઇમારતમાં આગ લાગતાં 17 વ્યક્તિઓનાં મૃત્યુ નીપજ્યાં છે, જેમાં 6 બાળકો સામેલ છે. 

    હૈદરાબાદના ચારમિનાર નજીક આવેલ ગુલઝાર હાઉસમાં આગ લાગી ગઈ હતી. આ ઇમારતમાં કમર્શિયલ દુકાનો અને રહેણાંક ફ્લેટ બંને આવેલાં છે. લગભગ સવારે સાડા પાંચ વાગ્યે આગ ફાટી નીકળી હતી, જેણે ઇમારતને ચપેટમાં લઈ લીધી. 

    આગ ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હોવાનું કહેવાય છે, જ્યાંથી ધુમાડો ઉપર ફેલાતો ગયો. આગ લાગતાંની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી, જેમણે ફાયર ટેન્ડરો મોકલ્યાં અને કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી. બે કલાકે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. 

    ઘટનામાં 17 જણને બચાવી ન શકાયા, જેમનાં કરૂણ મોત નીપજ્યાં. મૃતકોમાં 70 વર્ષીય વૃદ્ધોથી માંડીને નાનાં બાળકો સુધી સામેલ છે. 

    તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર પૂરી પાડવા અને રેસ્ક્યુ ઑપરેશનમાં ઝડપ લાવવા માટે આદેશ આપ્યા હતા. પીએમ મોદીએ પણ આ બનાવ પર પીડા વ્યક્ત કરીને મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્તો માટે વળતરની ઘોષણા કરી છે.