Saturday, April 5, 2025
More

    સુરત: સચિનની કાપડ કંપનીમાં ભીષણ આગ, બાજુની કંપનીને પણ ચપેટમાં લીધી, ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે

    સુરતની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સચિન વિસ્તારમાં આવેલી પાર્થ પ્લાસ્ટિક અને કાપડની કંપનીમાં શોર્ટ સર્કિટ થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી, જેની જ્વાળાઓ બાજુમાં આવેલી અન્ય એક પ્લાસ્ટિક કંપનીમાં પણ પહોંચી, જેના કારણે આ કંપની પણ ચપેટમાં આવી ગઈ હતી. 

    સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટો-વિડીયોમાં ભીષણ આગ લાગેલી જોવા મળે છે. એક તસવીરમાં બહુ મોટા પ્રમાણમાં ધુમાડો આકાશમાં જતો જોવા મળે છે. લોકો કહી રહ્યા છે કે પાંચ-છ કિલોમીટર દૂરથી પણ દ્રશ્યો સ્પષ્ટ દેખાય રહ્યાં છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાપડની કંપનીમાં આવેલ DGVCLની ડીપીમાં બ્લાસ્ટ થવાથી શોર્ટ સર્કિટ થઈ હતી. જોકે ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણવા મળશે. 

    બીજી તરફ આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડનાં ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતાં અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા હતા. એક સારી બાબત એ છે કે હોળીની રજા હોવાના કારણે કંપની બંધ હતી અને ત્યાં કોઈ કર્મચારી હાજર ન હતા. પરંતુ માલસામાનને ખાસ્સું એવું નુકસાન પહોંચશે તેવો અંદાજ છે.