Thursday, July 10, 2025
More

    કેરળના દરિયામાં ડૂબેલા લાઇબેરિયન જહાજના માલિક અને ક્રૂ મેમ્બરો વિરુદ્ધ FIR: બેદરકારીપૂર્વક નેવિગેશન અને ઝેરી પદાર્થોના ઉપયોગનો આરોપ, સમુદ્રમાં પડ્યા હતા કન્ટેનરો

    બે અઠવાડિયા પહેલાં કેરળના દરિયામાં ડૂબેલા લાઇબેરિયન જહાજના માલિક, માસ્ટર અને ક્રૂ મેમ્બરો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, માલવાહક જહાજ MSC ELSA 3 કેરળના દરિયાકાંઠે ડૂબી ગયું હતું, તેના માલિક અને ક્રૂ મેમ્બરો વિરુદ્ધ બેદરકારીપૂર્વક નેવિગેશન અને ઝેરી પદાર્થોના ઉપયોગ સહિત બેદરકારીભર્યા વર્તન માટે FIR નોંધવામાં આવી છે . 

    25 મેના રોજ સવારે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરથી કોચી જતી વખતે માલવાહક જહાજ કોચીના દરિયાકાંઠે14.5 નોટિકલ માઇલ દૂર ડૂબી ગયું હતું. જહાજ ડૂબી જતાં તેની સાથે તેમાં સવાર 640થી વધુ કન્ટેનર પણ ડૂબી ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમાંથી ઓછામાં ઓછા 12માં કેલ્શિયમ કાર્બાઇડ હતું, જે એક રસાયણ છે જે પાણી સાથે ખતરનાક રીતે પ્રતિક્રિયા આપે છે કારણ કે તે એસિટિલીન ગેસ છોડે છે, જે ખૂબ જ જ્વલનશીલ છે.

    હાલમાં ડૂબી ગયેલા જહાજની ટાંકીમાંથી બળતણ તેલ અને દરિયાઈ ડીઝલ કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ જોખમી પદાર્થોથી ભરેલા કન્ટેનર હજુ સુધી સમુદ્રમાંથી સાફ કરવામાં આવ્યા નથી. જહાજના બેલાસ્ટ સિસ્ટમમાં યાંત્રિક નિષ્ફળતાને જહાજ ડૂબવા પાછળનું એક મુખ્ય કારણ માનવામાં આવતું હતું.