Tuesday, March 4, 2025
More

    રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાઈ વધુ એક FIR: નેતાજી સુભાષચંદ્ર બોઝનું અપમાન કર્યાનો આરોપ, કોલકાતામાં હિંદુ સંગઠનોનું પ્રદર્શન

    કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નેતાજી સુભાષચંદ્ર બોઝના (Netaji Subhash Chandra Bose) અપમાન કરવા મામલે FIR નોંધાઈ છે. 23 જાન્યુઆરી નેતાજીની જન્મજયંતિ નિમિત્તે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં નેતાજીના મૃત્યુની તારીખને લઈને વિવાદ ઉભો થયો હતો.

    આ મામલે સ્વયંભૂ હિંદુત્વ સમૂહ અખિલ ભારતીય હિંદુ મહાસભાએ દક્ષિણ કોલકાતાના ભવાનીપુરા પોલીસ સ્ટેશનમાં રાહુલ વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ સિવાય હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ દક્ષિણ કોલકાતાના એલ્ગિન રોડ પર નેતાજીના પૂર્વજોના ઘર પાસે રાહુલ ગાંધીનો વિરોધ દર્શાવતું પ્રદર્શન પણ કર્યું હતું.

    નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ 23 જાન્યુઆરીના રોજ X પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે નેતાજીની મૃત્યુની તારીખનો ઉલ્લેખ કર્યો હતો. એક પોસ્ટરના માધ્યમથી તેમણે 18 ઑગસ્ટ 1945ને નેતાજીની મૃત્યુની તારીખ તરીકે દર્શાવી જે દિવસે નેતાજીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

    જોકે, આ દુર્ઘટનામાં નેતાજીના મૃત્યુની પુષ્ટિ થઈ નહોતી, તથા નેતાજીના ગુમ થયા બાદ આયોગ દ્વારા પણ ક્યારેય તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી નથી. આ દુર્ઘટના સાથે સંકળાયેલ આ રહસ્ય હજી સુધી ઉકેલાઈ શક્યું નથી. જોકે, રાહુલ ગાંધીએ તથ્યો વિના નેતાજીના મૃત્યુની તારીખ લખી જેના કારણે તેમની વિરુદ્ધ FIR નોંધાઈ હતી.

    કોંગ્રેસ છોડ્યા પછી નેતાજીએ રચેલ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક દ્વારા પણ રાહુલ ગાંધીની આ વિવાદિત પોસ્ટની નિંદા કરવામાં આવી હતી. ઉપરાંત, પશ્ચિમ બંગાળની શાસક તૃણમૂલ કોંગ્રેસે પણ આ પોસ્ટનો વિરોધ કર્યો હતો તથા ભાજપે પણ રાહુલ ગાંધીની આ પોસ્ટની ટીકા કરી હતી.