બેંગ્લોરના આઈટી એન્જિનિયર અતુલ સુભાષની (Atul Subhash) આત્મહત્યા બાદ તેમની પત્ની અને તેના પરિજનો વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો (FIR) દાખલ કરવામાં આવ્યો છે. બેંગ્લોર પોલીસે કાર્યવાહીની પુષ્ટિ કરી હતી.
જાણવા મળ્યા અનુસાર, અતુલની આત્મહત્યા મામલે તેમની પત્ની નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા સિંઘાનિયા, ભાઈ અનુરાગ સિંઘાનિયા અને કાકા સુશીલ સિંઘાનિયા એમ કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ અતુલના ભાઈની ફરિયાદના આધારે FIR નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
બેંગ્લોર પોલીસે ચારેય સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આપઘાત માટે દુષ્પ્રેરણા) અને 3(5) (સમાન ઈરાદે કરવામાં આવેલો ગુનો) હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં અતુલના ભાઈએ જણાવ્યું હતું કે, આરોપીઓએ તેમના મૃતક ભાઈ વિરુદ્ધ ખોટા કેસો દાખલ કર્યા હતા અને સમાધાન માટે ₹3 કરોડની માંગણી કરવામાં આવી રહી હતી. આરોપીઓ દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસથી આખરે અતુલે અંતિમ પગલું ભરી લીધું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અતુલ સુભાષે ગત મંગળવારે (10 ડિસેમ્બર) રાત્રે 24 પાનાંની સ્યુસાઇડ અને એક કલાકનો વિડીયો બનાવીને આપઘાત કરી લીધો હતો.