Saturday, May 17, 2025
More

    ક્ષત્રિય સંકલન સમિતિના આંદોલનથી જાણીતાં બનેલાં પદ્મિનીબા વાળા વિરુદ્ધ ગોંડલમાં હનીટ્રેપના કેસમાં FIR, આરોપી તરીકે પુત્રનું પણ નામ

    2024ની લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં શરૂ થયેલા ક્ષત્રિય સંકલન સમિતિના આંદોલનમાં મોટો ચહેરો રહી ચૂકેલાં પદ્મિનીબા વાળા વિરુદ્ધ ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકે એક FIR નોંધવામાં આવી છે, જેમાં આરોપી તરીકે તેમના પુત્રનું પણ નામ છે. 

    મામલો હનીટ્રેપને લગતો છે, જેમાં એક 60 વર્ષીય વ્યક્તિની ફરિયાદ પર કુલ પાંચ જણ સામે FIR થઈ છે. ગોંડલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 333, 308(4), 351(2) અને 54 હેઠળ આ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    આરોપોની ટૂંકમાં વિગત જોઈએ તો ફરિયાદીએ જણાવ્યું છે કે એક મહિલાએ તેમની સાથે સંપર્ક કરીને વિડીયો કૉલ અને વોટ્સએપ મેસેજ થકી વાતચીતો કરી હતી અને ત્યારબાદ તેનું દેવું ભરી આપવા માટે અને તેમ ન કરે તો આપઘાત કરવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે બદલામાં તે કોઈ પણ પ્રકારના સંબંધો બાંધવા માટે તૈયાર છે. 

    પદ્મિનીબા વાળા પર આરોપ છે કે તેમણે પુત્ર અને અન્ય બે યુવાનો સાથે ફરિયાદીના ઘરે જઈને બબાલ કરી હતી અને યુવતીનું જીવન બરબાદ કરવાનો આરોપ લગાવીને માફીનો વિડીયો બનાવવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં સાત-આઠ લાખનું દેવું ભરી આપવા માટે દબાણ કરવાનો પણ પદ્મિનીબા પર આરોપ છે. 

    બીજી તરફ, પદ્મિનીબાએ આરોપો નકારીને કહ્યું છે કે ફરિયાદીનો ઇરાદો યુવતીનું શોષણ કરવાનો હતો, જેથી તેને ‘ખુલ્લો પાડવા’ માટે તેઓ ગોંડલ આવ્યાં હતાં. તેમણે કોઈ મારકૂટ ન કરી હોવાનું કહીને ઉમેર્યું કે તેના કોઈ પુરાવા નથી, જેનાથી ફરિયાદ થઈ શકે. દીકરા પર થયેલ FIRને લઈને કહ્યું કે તેમની સાથે બે-ત્રણ યુવાનો હતા અને તેમનો પુત્ર કાયમ તેમની સાથે જ હોય છે, તેમાં તેની વિરુદ્ધ FIR કેમ કરવામાં આવી? 

    પોલીસ હાલ કેસની તપાસ કરી રહી છે.