ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માને મુંબઈની એક કોર્ટે ચેક બાઉન્સ કેસમાં ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે.
સાત વર્ષ જૂના કેસમાં કોર્ટે ગુરુવારે (23 જાન્યુઆરી) ચુકાદો આપ્યો અને વર્માને દોષી ઠેરવીને ત્રણ મહિનાની સજા ફટકારી હતી. ઉપરાંત ફરિયાદીને ત્રણ મહિનાની સમયમર્યાદાની અંદર ₹3.72 લાખ ચૂકવવા માટે પણ કહેવામાં આવ્યું છે. જો આટલા સમયમાં રકમ ચૂકવવામાં નહીં આવે તો વધુ ત્રણ મહિનાની સજા ભોગવવી પડશે.
સુનાવણી દરમિયાન રામ ગોપાલ વર્મા ગેરહાજર રહ્યા હતા, જેથી કોર્ટે તેમની ધરપકડ માટે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યું છે.
આ કેસ સાત વર્ષ અગાઉનો છે. શ્રી નામની એક કંપની ચલાવતા મહેશચંદ્ર મિશ્રા નામની વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.
With regard to the news about me and Andheri court, I want to clarify that it is to do with a 7 year old case of Rs 2 lakh 38 thousand amount , relating to my ex-employee .. My advocates are attending to it. and since the matter is in court i cannot say anything further
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2025
રામગોપાલ વર્માએ આ મામલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતાં કહ્યું કે, “અંધેરી કોર્ટ અને મારા વિશે જે સમાચારો ચાલે છે તેના સંદર્ભમાં કહેવા માંગું છું કે આ સાત વર્ષ જૂનો અને ₹2 લાખ 38 હજારની રકમ મામલેનો છે, જે મારા જ એક જૂના કર્મચારી સંબંધિત છે. મારા વકીલો આ મામલે કાર્યવાહી કરી રહ્યા છે. મામલો કોર્ટમાં છે તો હું આગળ વધુ કહી શકતો નથી.”