ત્રણેક વર્ષ પહેલાં દિલ્હીમાં એક હિંદુ યુવતી શ્રદ્ધા વાકરની તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલા દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. હાલ આફતાબ જેલમાં છે અને તેની સામે કેસ ચાલી રહ્યો છે. બીજી તરફ સમાચાર મળ્યા કે શ્રદ્ધાના પિતાનું નિધન થયું છે.
શ્રદ્ધાના પિતા વિકાસ વાકર મુંબઈના વસઈ વિસ્તારમાં પુત્ર સાથે રહેતા હતા. રવિવારે (9 ફેબ્રુઆરી) સવારે તેમની તબિયત અચાનક બગડી. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા.
Shraddha Walker's father dies waiting for justice. #ShraddhaWalker #ITVideo | @DipeshTripathi0 @Akshita_N pic.twitter.com/RzcL6ISnWn
— IndiaToday (@IndiaToday) February 9, 2025
મિડ-ડેના રિપોર્ટ અનુસાર, ઝોનલ ડેપ્યુટી કમિશનરે ઘટનાક્રમની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, વિકાસનું મૃત્યુ સંભવતઃ કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું છે. કોઈ મેડિકો લીગલ કેસ ડોક્યુમેન્ટ તૈયાર ન હોવાના કારણે વસઈ પોલીસે પોસ્ટમોર્ટમ કરવાની સૂચના આપી છે. આગળ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિકાસ વાકર પુત્રીની હત્યા બાદથી ન્યાયની રાહ જોઈ રહ્યા હતા. તેમને દીકરીની અસ્થિઓ મળે તેની પણ રાહ હતી, જેથી અંતિમ સંસ્કાર કરી શકે. આફતાબે શ્રદ્ધાની હત્યા કરીને ટુકડા-ટુકડા કરીને દિલ્હીમાં જુદા-જુદા ઠેકાણે ફેંક્યા હતા, જેમાંથી મોટાભાગના પોલીસ જપ્ત કરી લીધા હતા. પરંતુ હાલ કેસ ચાલી રહ્યો હોવાના કારણે પોલીસે પોતાની પાસે જ રાખ્યા છે. જેના કારણે અંતિમ સંસ્કાર પણ બાકી છે. શ્રદ્ધાના પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ ન થઈ શકી.