Sunday, March 16, 2025
More

    આજે ફરી ‘દિલ્હી માર્ચ’ શરૂ કરશે આંદોલનકારી ‘ખેડૂતો’, હરિયાણા પોલીસ હાઈએલર્ટ પર: શંભુ બોર્ડર પર બેરિકેડિંગ કરાયું

    પંજાબ-હરિયાણા બોર્ડર પર ડેરો જમાવીને બેઠેલા ખેડૂતોએ ગત 6 ડિસેમ્બરના રોજ દિલ્હી માર્ચ કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ હરિયાણા પોલીસે તેમને અટકાવી દીધા હતા. હવે તેઓ રવિવારે (8 ડિસેમ્બર) ફરી એક વખત આગળ વધવાના પ્રયાસ કરશે તેવા અહેવાલો મળી રહ્યા છે. 

    કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચાના 101 ખેડૂતો બપોરે 12 કલાકે દિલ્હી તરફ પગપાળા માર્ચની શરૂઆત કરશે તેવું ખેડૂત નેતાઓએ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારે વાતચીત માટે આશ્વાસન આપ્યું હતું, પરંતુ બે દિવસમાં કોઈ વાતચીત ન થવાથી તેઓ ફરી એક વખત કૂચ કરશે. 

    ઉલ્લેખનીય છે કે ખેડૂતો MSPની લીગલ ગેરેંટી, ખેડૂતો માટે પેન્શન, દેવા માફી, ઇલેક્ટ્રિસિટી ટેરિફમાં કોઈ વધારો નહીં, ખેડૂતો સામે થયેલા પોલીસ કેસ પરત ખેંચવા વગેરે માંગોને લઈને પ્રદર્શનો કરી રહ્યા છે. 

    બીજી તરફ, ખેડૂતોની માર્ચની ઘોષણાને પગલે હરિયાણા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. સરહદ પર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને રસ્તા પર ખીલા ઠોકી દેવામાં આવ્યા છે, જેથી વાહનો કે પગપાળા પણ કોઈ સરહદ ક્રોસ કરી ન શકે.