પંજાબ-હરિયાણા બોર્ડર પર છેલ્લા આઠ મહિનાથી ડેરો જમાવીને બેઠેલા ‘ખેડૂત’ નેતાઓએ શુક્રવારે (6 ડિસેમ્બર) રાજધાની દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ હરિયાણા પોલીસે સુરક્ષાને જોતાં તેમને આગળ વધવા દીધા ન હતા. પોલીસ સાથે હળવું ઘર્ષણ થયા બાદ ખેડૂત નેતાઓએ 2 દિવસ માટે માર્ચ સ્થગિત કરી દીધી છે.
કુલ 101 ખેડૂતોના એક જૂથે દિલ્હી તરફ પગપાળા માર્ચ કરવાની શરૂઆત કરી હતી, પરંતુ તેમને થોડા જ અંતરે અટકાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ અમુકે બેરિકેડિંગ કૂદીને જવાનો પ્રયાસ કરતાં હરિયાણા પોલીસે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
ખેડૂતોના એલાનને પગલે હરિયાણાના અંબાલા પ્રશાસને BNSSની કલમ 163 (અગાઉની CrPC 144) લાગુ કરી દીધી હતી. પ્રશાસને ખેડૂત નેતાઓને જણાવ્યું હતું કે, સુરક્ષા કારણોસર તેઓ દિલ્હી જઈ શકે નહીં. તેઓ પહેલાં દિલ્હી પોલીસ પાસેથી પરવાનગી મેળવે ત્યારબાદ પ્રવેશ મળી શકશે.
આંદોલનકારી નેતા સરવન સિંઘ પંઢેરે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેઓ શનિ અને રવિ એમ બે દિવસ માટે માર્ચ સ્થગિત કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ રણનીતિ બનાવશે. બીજી તરફ, કેન્દ્ર સરકારે પણ તેમની સાથે વાતચીત કરવાનું આશ્વાસન આપ્યું છે.