Tuesday, March 18, 2025
More

    ‘કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે’: અહમદ પટેલના પુત્ર ફૈઝલે પાર્ટી સાથે છેડો ફાડ્યો

    પૂર્વ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે પોતે કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવાનું બંધ કરી રહ્યા છે. જોકે ત્યાગપત્રનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. 

    X અકાઉન્ટ પર ફૈઝલ લખે છે કે, “અત્યંત પીડા અને વેદના સાથે જણાવી રહ્યો છું કે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઘણાં વર્ષો સુધી આ યાત્રા અત્યંત કઠિન રહી. મારા દિવંગત પિતા અહેમદ પટેલે તેમનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું હતું. મેં તેમના પગલે ચાલવાના પ્રયાસો કર્યા, પણ દરેક તબક્કે મને નકાર જ મળ્યો.”

    આગળ તેમણે કહ્યું, “માનવતા માટે જે કાંઈ થઈ શકે એ કામ કરવાનું હું ચાલુ રાખીશ. કોંગ્રેસ પક્ષ હંમેશા મારો પરિવાર રહ્યો છે અને આગળ પણ રહેશે. મને ટેકો આપનારા કોંગ્રેસ નેતાઓ, પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભચિંતકોનો આભાર વ્યક્ત કરું છું.”

    સંભવતઃ ફૈઝલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી, પરંતુ નારાજગી વ્યક્ત કરીને કામ ન કરવાનો નિર્ણય કર્યો છે. હવે તેઓ આગળ કોઈ પક્ષમાં જોડાશે કે કેમ તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી. 

    ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક (જ્યાંથી ભૂતકાળમાં અહેમદ પટેલ લડ્યા હતા અને તેમનું વતન પણ અહીં છે) કોંગ્રેસે ગઠબંધન સાથી આમ આદમી પાર્ટીને આપી દીધી હતી, જે આખરે હારી ગઈ. કોંગ્રેસમાંથી ત્યારે અહેમદ પટેલનાં બંને સંતાનો ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલે પાર્ટીના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ તેમની નારાજગીએ હાઈકમાન્ડના નિર્ણય પર બહુ અસર ન કરી. બંને AAP નેતા માટે પ્રચાર કરવાથી પણ દૂર રહ્યાં હતાં.