Tuesday, June 24, 2025
More

    ‘મેળા સુહેલદેવ જેવા રાજાઓના નામે થવા જોઈએ, સાલાર મસૂદના નામે નહીં’: સીએમ યોગી 

    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં મહારાજા સુહેલદેવના (Suheldev) વિજય દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) કહ્યું હતું કે, મેળાઓ આવા પ્રતાપી રાજાના નામ પર હોવા જોઈએ, આક્રાંતાઓના નામે નહીં. 

    સંબોધન કરતાં મુખ્યમંત્રીએ કહ્યું, “જે લોકો આજે ઝીણાનું મહિમામંડન કરે છે, તેમને પૂછવા માંગું છું. સરદાર પટેલનું મહિમામંડન નહીં પણ ઝીણાનું મહિમામંડન કરતા રહ્યા. સમાજવાદી પાર્ટી ઝીણાનું મહિમામંડન કરે છે. વિદેશી આક્રાંતાના નામ પર કોઈ આયોજન નહીં થાય. અમે ગાઝીના નામે યોજાતા મેળાને બંધ કરી દેવામાં આવ્યો છે.”

    તેમણે ઉમેર્યું કે, “ઇતિહાસમાં જેને ભુલાવી દેવામાં આવ્યા, અમે તેમનું ગૌરવ પરત અપાવીશું. મેળો તો મહારાજા સુહેલદેવના નામે થવો જોઈએ. ગાઝી સાલાર મસૂદના નામ પર નહીં.”

    શ્રાવસ્તીના રાજા સુહેલદેવ પોતાની વીરતા માટે પ્રસિદ્ધ છે. જોકે અનેક હિંદુ યોદ્ધાઓની જેમ તેમને પણ ઇતિહાસમાં પૂરતું સ્થાન ન મળ્યું. તેમણે 1034માં મહમૂદ ગઝનવીના ભત્રીજા આક્રમણકારી સૈયદ સાલાર મસૂદને એક યુદ્ધમાં પરાજિત કર્યો હતો. તેઓ શ્રાવસ્તીના રાજા હતા, પરંતુ સામ્રાજ્ય નેપાળથી લઈને કૌશાંબીથી ગઢવાલ સુધી વિસ્તર્યું હતું.