Monday, July 14, 2025
More

    ઇઝરાયેલી હુમલા વચ્ચે ઈરાનના ફોર્ડો ન્યુક્લિયર ઠેકાણાં પર વિસ્ફોટ, આવ્યો ભૂકંપ: ઇસ્લામી દેશના સુપ્રીમ લીડર પરિવાર સાથે બંકરમાં છુપાયા હોવાના અહેવાલ- 230થી વધુંના મોત

    ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત ચોથા દિવસે પણ સંઘર્ષ (Israel-Iran conflict) જોવા મળી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, સોમવારે સવારે (16 જૂન) ઈરાનના ફોર્ડો ન્યુક્લિયર ઠેકાણાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે. વધુમાં તે સ્થળ પર ભૂકંપ આવ્યો હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. ઈરાન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયોમાં કૉમ શહેરમાં લગભગ 20 કિલોમીટર દૂર વિસ્ફોટ જોવા મળ્યા છે. 

    તે સિવાય ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી હુમલામાં 230થી વધુના મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તાજેતરના ઇઝરાયેલી હુમલામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરના 3 અધિકારીઓના મોતની પુષ્ટિ પણ થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ એજન્સીના પ્રમુખ રાફેલ ગ્રોસીના જણાવ્યા અનુસાર, ઈરાની એજન્સીને જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલે ફોર્ડો પરમાણુ ઠેકાણાં પર પણ હુમલો કર્યો છે. 

    સાથે અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઇઝરાયેલી હુમલાના પગલે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીને ઉત્તરપૂર્વી તેહરાનના એક ભૂમિગત બંકરમાં લઈ જવામાં આવ્યા છે. ઈરાન ઇન્ટરનેશનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે, ખામેનીના પરિવારને પણ બંકરમાં લઈ જવામાં આવ્યો છે.