Monday, April 14, 2025
More

    બાંગ્લાદેશમાં યહૂદી દેશની મુસાફરી ન કરવાનું ફરમાન જારી: યુનુસ સરકારે પાસપોર્ટમાં ફરીથી લખ્યું ‘ઇઝરાયેલ સિવાય’

    બાંગ્લાદેશ (Bangladesh) પણ ધીમે ધીમે પાકિસ્તાનના રસ્તે જઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. પાકિસ્તાને તેના પાસપોર્ટમાં ‘ઇઝરાયેલ સિવાય’ (Expect Israel) ઉમેરેલું છે. ત્યારે બાંગ્લાદેશે પણ પાકિસ્તાનનું અનુકરણ કરીને પાસપોર્ટમાં બદલાવ કર્યા છે.

    બાંગ્લાદેશે તેના નાગરિકોને યહૂદી દેશની મુસાફરી ન કરવાનું ફરમાન જારી કર્યું છે. બાંગ્લાદેશે ફરીથી તેના પાસપોર્ટ પર ‘ઇઝરાયલ સિવાય’ની ટ્રાવેલ એડવાઇઝરી લગાવી છે. બાંગ્લાદેશમાં આવું બીજી વખત બની રહ્યું છે જ્યારે લોકોને ઇઝરાયલની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

    બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયે આ અંગે એક નિર્દેશ જારી કર્યો છે. તેણે પાસપોર્ટ અને ઇમિગ્રેશન વિભાગને વિદેશ પ્રવાસ કરતા નાગરિકોની સત્તાવાર મુસાફરી પરમિટમાં “આ પાસપોર્ટ ઇઝરાયલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે” એ ખાસ નોંધ ફરીથી ઉમેરવા જણાવ્યું હતું.

    આ પહેલાં જૂના બાંગ્લાદેશી પાસપોર્ટમાં પણ આવું જ લખેલું હતું જેને 2021માં તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળના અવામી લીગ સરકાર દરમિયાન દૂર કરવામાં આવ્યું હતું. કારણ કે આ વલણના કારણે બાંગ્લાદેશે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે યુનુસ સરકારે ફરીથી પાસપોર્ટમાં આ વાક્ય ઉમેરી દીધું છે.