Monday, July 14, 2025
More

    ‘તાત્કાલિક તહેરાન ખાલી કરો’: ઇઝરાયેલ બાદ ટ્રમ્પની ઈરાનને ચેતવણી, કહ્યું – ઇસ્લામિક રિપબ્લિકને પાસે ન હોવા જોઈએ પરમાણુ હથિયાર

    ઈરાન (Iran) અને ઇઝરાયેલ (Israel) વચ્ચે થયેલા તાજેતરના મિસાઇલ હુમલાઓ અને ન્યૂક્લિયર પ્રોગ્રામને લઇને વૈશ્વિક સ્તરે તણાવ વધી રહ્યો છે. આ સંદર્ભમાં અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક નિવેદન જાહેર કરીને ઈરાન પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને તેહરાનના નાગરિકોને તાત્કાલિક બહિષ્કારની સલાહ આપી છે.

    16 જૂન 2025ના રોજ ટ્રમ્પે ટ્રુથ પર લખ્યું, “ઈરાને એ ‘ડીલ’ પર હસ્તાક્ષર કરવા જોઈતા હતા જેના પર હસ્તાક્ષર કરવા માટેનું મેં કહ્યું હતું. આ ઘણું શરમજનક છે અને માનવ જીવનની બરબાદી! સાદી ભાષામાં કહું તો, ‘ઈરાન પાસે ન્યૂક્લિયર હથિયાર ન હોય શકે’. મેં આ વાત વારંવાર કહી છે! બધાએ તાત્કાલિક તેહરાન ખાલી કરી દેવું જોઇએ!”

    નોંધનીય છે કે, અત્યાર સુધી ઇઝરાયેલ ઈરાનના પરમાણુ મથકો પર હુમલા કરીને તેનો વિનાશ કરી રહ્યું હતું. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ પણ કહ્યું હતું કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવવા માટે ઘણું પાછળ જતું રહ્યું છે.

    ઇઝરાયેલે મધ્ય તેહરાનના એક ભાગમાં 330,000 લોકોને સ્થળાંતરની ચેતવણી જારી કરી હતી, જેમાં દેશનું રાજ્ય ટીવી અને પોલીસ મુખ્યાલય, તેમજ ત્રણ મોટી હોસ્પિટલો આવેલી છે, જેમાં ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડની માલિકીની એક હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.

    ત્યારે આ જ દરમિયાન ટ્રમ્પની ચેતવણીમાં તેહરાનના લગભગ 10 મિલિયન (1 કરોડ) નાગરિકોને તાત્કાલિક બહિષ્કાર કરવાની સલાહ આપવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો ઈરાને ન્યૂક્લિયર ડીલ પર હસ્તાક્ષર ન કર્યા, તો ટ્રમ્પની ચેતવણી પ્રમાણે મોટું યુદ્ધ શક્ય છે, જે મધ્યપૂર્વમાં સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.