Tuesday, June 24, 2025
More

    ટ્રમ્પ-મસ્ક વિખવાદ: એપસ્ટીન ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ હોવાનો દાવો કર્યા બાદ ઈલોન મસ્કની પીછેહઠ, હટાવી પોસ્ટ 

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને અરબપતિ ઈલોન મસ્ક (Elon Musk) આમ તો મિત્રો છે, પણ તાજેતરમાં બંને વચ્ચે અમુક બાબતોને લઈને ખટરાગ થયો અને દુનિયાભરમાં હેડલાઈનો બની. દરમ્યાન મસ્કે દાવો કરી દીધો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ કુખ્યાત એપસ્ટીન ફાઇલ્સમાં (Epstein files) સામેલ છે, એટલે જ તેને સાર્વજનિક કરવામાં આવી રહી નથી. આ પોસ્ટ હવે તેમણે હટાવી દીધી છે. 

    દુનિયાભરમાં કરોડો લોકોએ વાંચેલી આ પોસ્ટમાં ઈલોન મસ્કે શુક્રવારે (6 જૂન) લખ્યું હતું કે, ‘હવે એક મોટો બૉમ્બ ફોડવાનો સમય આવી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એપસ્ટીન ફાઇલ્સમાં છે. આ  જ કારણ છે કે કેમ તેને સાર્વજનિક કરવામાં આવી રહી નથી.’ અંતે ટ્રમ્પના નામના ટૂંકાક્ષરો લખીને તમારો દિવસ શુભ રહે એવો કટાક્ષ પણ કર્યો હતો. 

    હવે ઈલોન મસ્કે આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. કારણ જણાવ્યું નથી. 

    એપસ્ટીન ફાઇલ્સ એ કુખ્યાત જેફરી એપસ્ટીન નામના એક શખ્સને લગતા સેક્સ ટ્રાફિકિંગ કેસના દસ્તાવેજોને કહેવાય છે. તેની ઉપર બાળકો, મહિલાઓનું શોષણ કરવાનો, તેમને મોટા ઉદ્યોગપતિઓ અને મોટી હસ્તીઓ સુધી પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. તેના અનેક લોકો સાથે સંબંધો હોવાનું કહેવાય છે. તેના કેસમાં અનેકનાં નામો બહાર આવ્યાં હતાં, પણ અનેકનાં હજુ કોર્ટના દસ્તાવેજોમાં દબાયેલા છે. ફાઈલો હજુ સાર્વજનિક થઈ નથી.