Tuesday, March 18, 2025
More

    ભારતમાં ‘મતદાન વધારવાના’ નામે અમેરિકન એજન્સીઓ ખર્ચી રહી હતી લાખો ડૉલર, મસ્કના વિભાગ DOGEએ રદ કર્યા પ્રોજેક્ટ

    ‘જગત જમાદાર’ અમેરિકાના ડીપ સ્ટેટનો હિસ્સો એવી એજન્સીઓ અને અન્ય સંગઠનો USનાં હિતો સાધવા માટે દુનિયાભરના દેશોના આંતરિક રાજકારણમાં કઈ રીતે હસ્તક્ષેપ કરે છે તેની ઘણીખરી જાણકારી ટ્રમ્પ સરકાર આવ્યા બાદ સામે આવી રહી છે. ટ્રમ્પે પ્રશાસનિક ફેરફારો લાવવા માટે એક DOGE નામનો વિભાગ બનાવ્યો છે, જેની કમાન સોંપી છે ટેસ્લા CEO અને એક્સ ચીફ ઇલોન મસ્કને. DOGEનો અર્થ થાય ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી.

    તાજેતરમાં આ DOGEએ જણાવ્યું કે અમેરિકન કરદાતાઓના રૂપિયા દુનિયાના અન્ય દેશોમાં અમુક કથિત પ્રોજેક્ટો ચલાવવા માટે વપરાવાના હતા, જેની ઉપર રોક લગાવી દેવામાં આવી છે. આ યાદીમાં ભારત અને બાંગ્લાદેશનો પણ ઉલ્લેખ છે. 

    DOGEના રિપોર્ટમાં જાણવા મળ્યું કે, અમેરિકન એજન્સીઓ ભારતમાં ‘વૉટર ટર્નઆઉટ’ મજબૂત કરવા માટે 21 મિલિયન ડૉલર ખર્ચવાની હતી. આ સીધેસીધો આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ ગણાય. ભારતમાં મતદાનની સંખ્યા વધે તેની સાથે અમેરિકાને સીધી રીતે કોઈ નિસ્બત નથી, પરંતુ છતાં આટલી મોટી રકમ ફાળવવામાં આવનાર હતી. 

    ઉપરાંત, બાંલાદેશમાં ‘રાજકીય પરિદ્રશ્ય મજબૂત કરવા માટે’ અમેરિકન એજન્સીઓ 29 મિલિયન ડૉલર ખર્ચ કરવા જઈ રહી હતી. સાથે નેપાળમાં પણ લાખો ડોલરનો ખર્ચ થનાર હતો. 

    નોંધનીય છે કે આ પહેલાં પણ સામે આવી ચૂક્યું છે કે કઈ રીતે અમેરિકન એજન્સી USAIDએ ભારત અને બાંગ્લાદેશ જેવા અનેક દેશોમાં સરકારો ઉથલાવવાના અને અરાજકતા સર્જવાના પ્રયાસ કર્યા હતા અને તેના માટે કરોડો ખર્ચવામાં આવ્યા હતા.