Sunday, June 22, 2025
More

    ઈલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંકને ભારતમાં મળ્યું લાયસન્સ: અહેવાલોમાં દાવો, સત્તાવાર પુષ્ટિની રાહ

    અમેરિકી અરબપતિ ઈલોન મસ્ક (Elon Musk) હાલ ચર્ચામાં છે ત્યારે સમાચાર આવ્યા છે કે તેમની કંપની સ્ટારલિંકને (Starlink) ભારતના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન તરફથી લાયસન્સ મંજૂર કરી દેવામાં આવ્યું છે. 

    જોકે આ જાણકારી હજુ અહેવાલો મારફતે મળી રહી છે. ભારત સરકાર તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે. 

    PTIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, સ્ટારલિંકને લાયસન્સ મળી ચૂક્યું છે અને આવેદન કરે તેના 15-20 દિવસમાં ટ્રાયલ સ્પેક્ટ્રમ પણ મંજૂર કરી દેવામાં આવશે. 

    સ્ટારલિંક આ લાયસન્સ મેળવનારી ત્રીજી કંપની છે. આ પહેલાં વનવેબ અને રિલાયન્સ જિયોને પણ સેટેલાઈટ સર્વિસ શરૂ કરવા માટે લાયસન્સ આપવામાં આવ્યું હતું. 

    સ્ટારલિંક ઈલોન મસ્કની માલિકીની મૂળ અમેરિકી કંપની છે. જે લૉ અર્થ ઓર્બિટ સેટેલાઈટ બેસ્ડ ઈન્ટરનેટ સર્વિસ છે. જેની મદદથી દુનિયાના ગમે તેટલા અંતરિયાળ વિસ્તારોમાં પણ હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડી શકાય છે. ભારતમાં તેની સર્વિસ લૉન્ચ થશે તેવી ચર્ચા ઘણા સમયથી હતી.