Saturday, February 1, 2025
More

    ‘8 વાગ્યા સુધી પુરાવા આપો કે હરિયાણા યમુનાના પાણીમાં ઝેર ભેળવે છે… નહીં તો…’: ભાજપ શાસિત રાજ્ય પર અકારણ હુમલો કરીને ફસાયા AAPના કેજરીવાલ, ચૂંટણી પંચે આપી નોટિસ

    દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2025) નજીક આવી રહી છે એક રાજકારણ ગરમાઈ રહ્યું છે. તાજેતરમાં જ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) યમુના નદી (Yamuna) મામલે એક ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું હરિયાણાની ભાજપ સરકાર યમુનાના પાણીમાં ઝેર (Poison) ભેળવી રહી છે. ત્યારે આ મામલે ચૂંટણી પંચે (Election Commission) કેજરીવાલ પાસે આ દાવો કરવાના પ્રમાણ માંગ્યા છે.

    કેજરીવાલે આ નિવેદન 27 જાન્યુઆરીના રોજ આપ્યું હતું, ત્યારે 28 જાન્યુઆરીએ ભાજપે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી, ચૂંટણી પંચે કેજરીવાલને પત્ર લખ્યો હતો તથા આ દાવો કરવા મામલે બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. જો આમ નહીં કરવામાં આવે તો તેમની સામે ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    ચૂંટણી પંચે કહ્યું, કે કેજરીવાલ એક પ્રતિષ્ઠિત નેતા છે અને તેમના મોટી સંખ્યામાં સમર્થકો છે. આવી સ્થિતિમાં, તેમણે જે રીતે જૈવિક યુદ્ધ વિશે વાત કરી છે તે એક ગંભીર મુદ્દો છે. જો તે આરોપો સાબિત કરવામાં અસમર્થ હોય, તો કમિશને જે કલમો હેઠળ કાર્યવાહી કરવા કહ્યું છે, તે હેઠળ ત્રણ વર્ષની સજા અને દંડ થઈ શકે છે.

    ચૂંટણી પંચે કહ્યું, કેજરીવાલે હરિયાણાની ભાજપ સરકાર પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો છે, જેનાથી રાજ્યો વચ્ચે નફરત ફેલાઈ શકે છે. આ ઉપરાંત આયોગે યમુનાના પાણીમાં એમોનિયાની માત્રા અંગે હરિયાણા સરકાર પાસેથી પણ રિપોર્ટ મંગાવ્યો છે. ઉપરાંત દિલ્હી સરકાર અને દિલ્હી જળ બોર્ડને આ મામલાની તપાસ કરવા અને જો તે સાચું હોય તો તાત્કાલિક તમામ જરૂરી પગલાં લેવા કહેવામાં આવ્યું છે.