Wednesday, March 19, 2025
More

    ‘કોઈ કિન્તુ-પરંતુ નહીં, પીએમ મોદી જે નિર્ણય કરે તેને મારું બિનશરતી સમર્થન રહેશે’: CM પદની ચર્ચાઓ વચ્ચે બોલ્યા એકનાથ શિંદે

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિના વિજય બાદ નવી સરકારની રચના માટે તજવીજ ચાલી રહી છે. શપથગ્રહણની તારીખ જાહેર થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી નવા મુખ્યમંત્રીના નામની ઘોષણા કરવામાં આવી નથી. આ બધા વચ્ચે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રવિવારે (1 ડિસેમ્બર) પત્રકારો સાથે વાતચીત કરી હતી. 

    એકનાથ શિંદેએ કહ્યું કે, તેમણે પહેલાં જ નવી સરકાર બાબતે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા જે નિર્ણય લેશે તે તેઓ માન્ય રાખશે. 

    તેમણે કહ્યું, “મેં બુધવારે જ મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી છે. આદરણીય વડાપ્રધાન મોદીજી, આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ અને ભાજપ અધ્યક્ષ નડ્ડાજીને મેં સમર્થન આપ્યું છે અને તેઓ જે નિર્ણય લેશે તેને મારું પૂરેપૂરું સમર્થન રહેશે. આમાં કોઈ કિન્તુ-પરંતુ નથી. મેં બહુ સ્પષ્ટતા સાથે વાત કરી છે.”

    સતારા મુલાકાતને લઈને તેમણે કહ્યું કે, “ચૂંટણીની ભાગદોડ બાદ હું અહીં આરામ કરવા માટે આવ્યો હતો. મેં અઢી વર્ષના કાર્યકાળમાં કોઈ રજા લીધી ન હતી. લોકો મને અહીં પણ મળવા માટે આવી રહ્યા છે. હવે મારી તબિયત સારી છે.”