Tuesday, March 18, 2025
More

    મહારાષ્ટ્રમાં CM પદ પર સસ્પેન્સ વચ્ચે ગુરુવારે દિલ્હીમાં અગત્યની બેઠક, અમિત શાહને મળશે ફડણવીસ, શિંદે અને અજિત પવાર

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજય બાદ હવે ચર્ચાઓ મુખ્યમંત્રી પદની ચાલી રહી છે. ચર્ચાઓ અને અટકળો વચ્ચે બુધવારે (27 નવેમ્બર) કેરટેકર સીએમ એકનાથ શિંદેએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સ્પષ્ટ કર્યું કે તેઓ કાયમ એક કોમન મેન (CM) તરીકે રહ્યા છે અને નવી સરકાર બનાવવામાં ક્યાંય રોડાં નહીં નાખે. પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ અને ભાજપનું મોવડી મંડળ જે નિર્ણય કરશે તેને માન્ય રાખશે તેમ પણ તેમણે જણાવ્યું. હવે સમાચાર મળી રહ્યા છે કે 28 નવેમ્બરે દિલ્હીમાં મહાયુતિના નેતાઓની એક બેઠક મળશે. 

    ગુરુવારે (28 નવેમ્બર) દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર દિલ્હી જશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં નવા સીએમ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. 

    આ બાબતની પુષ્ટિ એકનાથ શિંદે અને અજિત પવાર બંને નેતાઓએ કરી છે. અજિત પવારે પણ જણાવ્યું હતું કે, અમિત શાહ સાથેની બેઠકમાં સીએમ, ડેપ્યુટી સીએમ અને મંત્રીઓ વિશે નિર્ણય કરવામાં આવશે. 

    બહુ જલ્દીથી મહારાષ્ટ્રમાં સીએમ કોણ હશે તે નક્કી થઈ જશે એમ આ તબક્કે જણાય રહ્યું છે.