વિદેશ મોકલવાનો વાયદો કરીને જૂનાગઢના 8 યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસના ચોપડે નોંધાઈ છે. યુવાનોનો આરોપ છે કે એજન્ટો વિદેશ મોકલવાનું કહીને 5-5 લાખ રૂપિયા ઉઘરાવીને ગાયબ થઈ ગયા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
યુવાનોએ જણાવ્યું કે, તેમને આલ્બેનિયા મોકલવાનું કહીને એક કન્સલ્ટન્સી એજન્સીના ત્રણ એજન્ટોએ 5-5 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ તમામને મુંબઈ મોકલવામાં આવ્યા, પરંતુ પ્લાન કેન્સલ હોવાનું કહેતાં 15 દિવસ ત્યાં રહીને આઠેય પરત જૂનાગઢ આવી ગયા. ત્યારબાદ તેમને ફરીથી મુંબઈ મોકલવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ત્યાંથી બેંગ્લોર અને બેંગ્લોરથી મલેશિયા જવાનું રહેશે. અહીં દસેક દિવસ રોકાઈને ત્યાંથી કતાર, ત્યાંથી ટર્કી, ટર્કીથી આલ્બેનિયા પહોંચાડવાની વાત કરી હતી.
યુવાનોએ જણાવ્યું કે, તેઓ મુંબઈથી બેંગ્લોર તો પહોંચી ગયા પણ બેંગ્લોર પહોંચ્યા ત્યાં ખબર પડી કે રિટર્ન ટિકિટ અને વિઝા બંને ફેક છે. સાથે તેમને જે ઑફર લેટર આપવામાં આવ્યા હતા તેમાં 30 ફેબ્રુઆરીની તારીખ લખવામાં આવી હતી. જેનું ક્યાંય અસ્તિત્વ જ હોતું નથી. જેથી તમામને બેંગ્લોર એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા.
જૂનાગઢ પરત આવીને કન્સલ્ટન્સીની ઑફિસે પહોંચ્યા તો ત્યાં તાળાં મારેલાં હોવાનું યુવાનોએ જણાવ્યું. ત્યારબાદ તેઓ કેસ કરવા પહોંચ્યા હતા.