બહુચર્ચિત GST કૌભાંડ કેસમાં પકડાયેલા આરોપી અને ‘પત્રકાર’ મહેશ લાંગા સામે ચાર્જશીટ રજૂ થયા બાદ વધુ વિગતો સામે આવી છે. જાણવા મળ્યું છે કે, આ કેસમાં હવે ED પણ તપાસ કરી રહી છે.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, EDને લાંગાએ વિદેશમાં કરેલા અમુક વ્યવહારોની વિગતો મળી છે. જે મામલે એજન્સી વિસ્તૃત તપાસ કરશે. અત્યાર સુધી આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી હવે તપાસનો વિસ્તાર વધ્યો છે.

બીજી તરફ, તેના એક એવી વ્યક્તિ સાથે સંપર્ક બહાર આવ્યા છે, જેના રાજકીય સંબંધો છે. તેની સાથે અમુક વ્યવહારો પણ કર્યા હતા, જેની પણ ટ્રેઇલ એજન્સીને મળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટૂંકમાં આ કેસમાં હવે એજન્સી ED પણ વિસ્તૃત તપાસ કરશે.
મહેશ લાંગાની ધરપકડ ઑક્ટોબર, 2024માં થઈ હતી. તેની અને અન્ય આરોપીઓ સામે બોગસ કંપની બનાવીને, ખોટાં બિલોના આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન કરવાનો આરોપ છે. આ સિવાય તેની સામે એક વેપારી સાથે છેતરપિંડી કરવાનો અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના અમુક દસ્તાવેજો લીક કરવાનો પણ કેસ નોંધવામાં આવ્યો હતો. વેપારીના કેસમાં તેને આગોતરા જામીન મળ્યા હતા. ગાંધીનગરના કેસમાં હજુ કસ્ટડી મેળવવામાં આવી નથી.
જોકે, લાંગાને અમદાદવાના GST ફ્રોડ કેસમાં હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે. પરંતુ રાજકોટમાં પણ તેની સામે આવો જ એક GST ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હોઈ તે જેલની બહાર આવી શક્યો નથી. રાજકોટ સેશન્સ કોર્ટ તેના જામીન ફગાવી ચૂકી છે.