Monday, March 17, 2025
More

    કોલ્ડપ્લે અને દિલજિત દોસાંઝની કોન્સર્ટની ટિકિટના વેચાણમાં ગેરરીતિ મામલે ED એક્શનમાં, પાંચ રાજ્યોમાં દરોડા

    કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) શનિવારે (26 ઑક્ટોબર) સવારથી દેશનાં પાંચ રાજ્યોમાં અલગ-અલગ ઠેકાણે દરોડા પાડીને સર્ચ ઑપરેશન હાથ ધરી રહી છે. આ કાર્યવાહી કોલ્ડપ્લે અને દિલજિત દોસાંઝની કોન્સર્ટની (Concerts) ટિકિટ વેચવામાં થયેલ ગોલમાલ મામલે કરવામાં આવી રહી હોવાનું પ્રાથમિક સમાચાર અહેવાલો જણાવી રહ્યા છે. 

    જાણવા મળ્યા અનુસાર, એજન્સી દિલ્હી, મુંબઈ, જયપુર, ચંડીગઢ અને બેંગ્લોર વગેરે ઠેકાણે ગેરકાયદેસર ટિકિટ વેચાણ મામલે તપાસ કરી રહી છે. EDએ આ ગેરકાયદેસર ગતિવિધિઓની ટ્રેઇલ મેળવવા માટે અમુક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    અનેક રાજ્યોમાં ટિકિટ વેચાણમાં ગેરરીતિને લઈને FIR દાખલ કરવામાં આવ્યા બાદ એજન્સી આ મામલે તપાસ કરી રહી છે. 

    દિલજિત અને કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને સંગીત રસિયાઓમાં ખૂબ ઉત્સાહ હતો અને એટલે ટિકિટ વેચવાની શરૂ થઈ તેની ગણતરીની મિનિટોમાં જ હજારો લોકોએ ખરીદી લીધી હતી. પરંતુ બીજી તરફ તરત તેનું બ્લેક માર્કેટિંગ પણ શરૂ થઈ ગયું અને માન્ય ભાવ કરતાં પાંચ-છ ગણી કિંમતે ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટો વેચાવા માંડી હતી.