Monday, March 10, 2025
More

    છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના ઘરે EDની રેડ, મોટી સંખ્યામાં મળી આવી રોકડ રકમ!: એજન્સીએ નોટો ગણવા માટે મંગાવ્યા મશીન

    છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેશ બઘેલના ઠેકાણાં પર EDએ રેડ પાડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેવામાં આરોપ લાગી રહ્યા છે કે, બઘેલના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી આવી છે. નોટોની ગણતરી માટે એજન્સીએ મશીનો મંગાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

    વધુમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા એક પરિસરમાંથી કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. દારૂ કૌભાંડ સાથે આ કેસ સંકળાયેલો છે. EDની આ કાર્યવાહી ચૈતન્ય બઘેલ વિરુદ્ધ મળી આવેલા પુરાવાના આધારે કરવામાં આવી છે, જેમાં તેમનું નામ ₹2100 કરોડના દારૂ કૌભાંડના મુખ્ય ખેલાડીઓમાં સામેલ છે.

    આ સમગ્ર કેસને છત્તીસગઢ દારૂ કૌભાંડ તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં અહેવાલો અનુસાર, ચૈતન્ય બઘેલને જલ્દી જ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. સંભાવના છે કે, આજે જ પૂછપરછનું પ્રથમ ચરણ શરૂ કરવામાં આવી શકે છે. હાલ એજન્સીની ટીમ કાર્યવાહીમાં લાગી હોવાનું સામે આવી રહ્યું છે.