18 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ (George Soros) સમર્થિત ઓપન સોસાયટી ફાઉન્ડેશન (OSF) અને તેના કેટલાક સહયોગીઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા (ED) ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના કથિત ઉલ્લંઘનની તપાસના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા.
અહેવાલ અનુસાર આ કેસ OSF દ્વારા વિદેશી સીધા રોકાણની (FDI) કથિત પ્રાપ્તિ અને FEMA માર્ગદર્શિકાના કથિત ઉલ્લંઘનમાં ચોક્કસ લાભાર્થીઓ દ્વારા ભંડોળના ઉપયોગ સાથે સંબંધિત છે. EDની કાર્યવાહી પર OSF તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી આવી નથી.
વર્તમાનમાં OSFના મુખ્ય લાભાર્થીઓ, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને હ્યુમન રાઇટ્સ વોચના છ થી વધુ સ્ટાફ મેમ્બર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. EDની પૂછપરછ તેમના ખાતામાં જમા કરવામાં આવેલી રકમના સંદર્ભમાં ચાલી રહી છે.
નોંધનીય છે કે હંગેરિયન-અમેરિકન પોલિટીકલ એક્ટિવિસ્ટ સોરોસ અને તેમના સંગઠન OSF પર શાસક ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના હિતોની વિરુદ્ધ કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અદાણી-હિંડનબર્ગ વિવાદ દરમિયાન તેમના નિવેદનોની પણ પાર્ટી દ્વારા ટીકા કરવામાં આવી હતી.