એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) 12 જૂને રાજસ્થાન (Rajasthan), ગુજરાત (Gujarat) અને દિલ્હીમાં (Delhi) 24 સ્થળોએ દરોડા (Raid) પાડ્યા હતા. આ કાર્યવાહી ₹2700 કરોડના રોકાણકારોના છેતરપિંડી કેસ અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. આ કેસ નેક્સા એવરગ્રીન નામની કંપની સાથે જોડાયેલો છે, જેના પર રોકાણકારોને ઉંચા વળતરનું લાલચ આપીને છેતરવાનો આરોપ છે.
તપાસ એજન્સીએ આ કેસમાં નેક્સા એવરગ્રીન અને અન્ય સંબંધિત વ્યક્તિઓની સંડોવણીની તપાસ શરૂ કરી છે. આ કંપની એપ્રિલ 2021માં શરૂ થઈ છે. કંપનીએ રોકાણકારોને ડબલ વ્યાજ, મકાન, ફ્લેટ અને ઊંચું વળતર આપવાની લાલચ આપીને મોટી રકમ એકત્ર કરી હોવાનું જાણવા મળ્યું છે.
દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર આરોપીઓએ નેક્સા એવરગ્રીન સિવાય પણ અન્ય કંપનીઓ ખોલીને તેના વિવિધ બેંકમાં ખાતા ખોલાવ્યા હતા. આ કેસમાં લગબગ 62,000 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. છેતરાયેલા લોકોમાં પોલીસ અને સરકારી અધિકારીઓ પણ સામેલ છે.
આ કેસમાં EDએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ તપાસ હાથ ધરી છે. દરોડા દરમિયાન EDએ મહત્વના દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને અન્ય સામગ્રી જપ્ત કરી હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન રોકાણકારોના નાણાંનો દુરુપયોગ અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શનની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.