Wednesday, March 19, 2025
More

    મહારાષ્ટ્રમાં થઈ અમિત શાહના હેલિકૉપ્ટરની તપાસ, ગૃહમંત્રીએ આપ્યો સહયોગ: આ જ કાર્યવાહી પર ઉદ્ધવે મચાવ્યો હતો હોબાળો

    ચૂંટણી પ્રચાર કરવા માટે મહારાષ્ટ્ર (Maharashtra) પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) હેલિકૉપ્ટરની શુક્રવારે (15 નવેમ્બર) ચૂંટણી પંચના અધિકારીઓએ તપાસ કરી હતી. 

    ગૃહમંત્રી શાહે X પર એક પોસ્ટ કરીને લખ્યું, “આજે મહારાષ્ટ્રની હિંગોલી વિધાનસભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા મારા હેલિકૉપ્ટરની તપાસ કરવામાં આવી.” તેમણે આગળ લખ્યું કે, “ભાજપ નિષ્પક્ષ ચૂંટણી અને સ્વસ્થ ચૂંટણી પ્રણાલીમાં વિશ્વાસ ધરાવે છે અને માનનીય ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરે છે.”

    ગૃહમંત્રીએ આગળ કહ્યું કે, એક સ્વસ્થ ચૂંટણી પ્રક્રિયામાં આપણે સૌએ યોગદાન આપવું જોઈએ અને ભારતને વિશ્વનું સૌથી મજબૂત લોકતંત્ર તરીકે જાળવી રાખવામાં કર્તવ્યોનું પાલન કરવું જોઈએ.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં જ્યારે પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણી પંચના અધિકારીઓએ શિવસેના (UBT) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની તપાસ કરી હતી ત્યારે તેઓ ભડકી ઉઠ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પરંતુ પછી દેવેન્દ્ર ફડણવીસથી માંડીને નીતિન ગડકરી અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ આ જ રીતે તપાસ કરવામાં આવી, પણ તમામે શાંતિપૂર્ણ રીતે સહયોગ આપ્યો હતો.