Thursday, May 15, 2025
More

    તૂર્કીમાં આવ્યો 6.02ની તીવ્રતાનો ભૂકંપ, મોટી-મોટી ઇમારતો કરાઈ ખાલી: અસરગ્રસ્ત વિસ્તારોમાં ન જવા ચેતવણી

    તૂર્કીમાં આવેલ સૌથી મોટા શહેર ઈસ્તમ્બુલમાં (Istanbul) આજે સવારે શક્તિશાળી ભૂકંપના (Earthquake in Turkey) આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.02થી 6.1 મેગ્નિટ્યૂડ નોંધાઈ. આ ભૂકંપ મરમારા ક્ષેત્રમાં આવ્યો, જેના કારણે ઈમારતો હલી ગઈ અને હજારો લોકો ડરના માર્યા ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી ગયા.

    તૂર્કીની (તુર્કી) AFAD ડિઝાસ્ટર એજન્સીએ આ અંગેની માહિતી આપી હતી. આ ભૂકંપ તાજેતરના વર્ષોમાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપમાંનો એક છે. આ ભૂકંપના આંચકા ઈસ્તમ્બુલથી લઈને ઇઝમિર સુધી અનુભવાયા હતા.

    AFADએ જણાવ્યા અનુસાર સ્થાનિક સમય મુજબ બપોરે 12:49 વાગ્યે (0949 GMT) આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ ઇસ્તંબુલથી લગભગ 80 કિમી (50 માઇલ) પશ્ચિમમાં સિલિવરી ક્ષેત્રમાં હતું. તે 6.92 કિમીની (4.3 માઇલ) ઊંડાઈએ હતું.

    ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ બ્રોડકાસ્ટર TGRT એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ દરમિયાન બાલ્કનીમાંથી કૂદકો મારવાથી એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં લોકો ઈમારતો ખાલી કરીને ભાગતા દેખાઈ રહ્યા છે.

    તૂર્કીના આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓએ લોકોને આગામી આંચકાઓ (આફ્ટરશોક્સ) માટે સાવચેત રહેવા જણાવ્યું છે. AFAD એ વિસ્તારના લોકોને ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશ ન કરવાની ચેતવણી આપી છે. હાલમાં મોટા નુકસાન કે જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ ઈમારતોની સુરક્ષાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.