Monday, March 17, 2025
More

    15-16 ઑક્ટોબરે પાકિસ્તાન જશે વિદેશ મંત્રી એસ જયશંકર, SCO સમિટમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

    આગામી 15-16 ઑક્ટોબરના રોજ યોજાનાર શંઘાઈ કૉઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલયે આ બાબતે જાણકારી આપી છે. 

    આ સમિટ પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં 15-16 ઑક્ટોબરના રોજ યોજાઈ રહી છે. આ વખતની કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્ન્મેન્ટ મીટિંગની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે. 

    આ બેઠક માટે પાકિસ્તાને તમામ સભ્ય દેશોના વડાઓને નિમંત્રણ પાઠવ્યું હતું. ગત ઑગસ્ટમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોને જોતાં પીએમ મોદી સામેલ થશે કે નહીં તેની ઉપર સસ્પેન્સ હતું. પણ હવે તેમના સ્થાને વિદેશ મંત્રી જશે તેવો નિર્ણય થયો છે. 

    વિદેશ મંત્રી એસ જયશંકરની વિદેશ મંત્રી તરીકે આ પહેલી પાકિસ્તાન યાત્રા હશે. તેઓ 15-16 ઑક્ટોબર દરમિયાન પાકિસ્તાનમાં યોજાનાર આ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 

    SCOની સ્થાપના વર્ષ 2001માં શંઘાઈમાં એક સમિટ દરમિયાન થઈ હતી. જેમાં રશિયા, ચીન, કિર્ગીઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સભ્યો હતા. પછીથી 2017માં ભારત અને પાકિસ્તાન પણ તેના સભ્ય બન્યા. ગત વર્ષે જુલાઈમાં ઈરાન પણ સ્થાયી સભ્ય બન્યું હતું. ભારતે ગત વર્ષની સમિટનું આયોજન કર્યું હતું, જેમાં પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ હાજરી આપી હતી.