મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં મુંબઈ પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) રવિવારે (27 ઑક્ટોબર) એક પ્રેસ કૉન્ફરન્સમાં આતંકવાદને (Terrorism) લઈને મોટી વાત કહી. તેમણે કહ્યું કે, આ નવું ભારત છે અને હવે કોઈ 26/11 હુમલા જેવી અવળચંડાઈ ફરી કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે, 26/11 હુમલા બાદ ભારત તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. પણ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ નહીં સર્જાય.
તેમણે કહ્યું, “મુંબઈમાં જે થયું હતું તેનું પુનરાવર્તન થવું ન જોઈએ. કે આતંકવાદી હુમલો થાય અને કોઈ પ્રતિક્રિયા આપવામાં ન આવે. મુંબઈ ભારત માટે જ નહીં પણ વિશ્વ માટે કાઉન્ટર-ટેરેરિઝમનું પ્રતીક છે.”
વિદેશ મંત્રીએ ઉમેર્યું કે, “દુનિયા જાણે છે કે આજે ભારત આતંકવાદ વિરુદ્ધ સખ્તાઇથી લડી રહ્યું છે. આતંકવાદ વિરુદ્ધ લડવામાં આજે આપણે નેતૃત્વ કરી રહ્યા છીએ અને જ્યારે વાત ઝીરો ટોલરન્સની નીતિની હોય તો એ બહુ સ્પષ્ટ હોવું જોઈએ કે કોઈ કશુંક કરશે તો તેનો જવાબ પણ અપાશે.”
ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2008માં આટલો મોટો આતંકવાદી હુમલો થયો હોવા છતાં ત્યારની કોંગ્રેસ સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ કડક પગલાં લીધાં ન હતાં. જેના કારણે કાયમ સવાલો ઉઠતા રહ્યા છે.