Monday, July 14, 2025
More

    ‘પૂર્વ CJI ચંદ્રચૂડને ફાળવેલું સરકારી નિવાસસ્થાન ખાલી કરાવવામાં આવે’: સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને પત્ર

    સુપ્રીમ કોર્ટ પ્રશાસને કેન્દ્ર સરકારને એક પત્ર લખીને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ (DY Chandrachud) પાસે સરકારી નિવાસસ્થાન ખાલી કરાવવા માટે વિનંતી કરી છે. કોર્ટનું કહેવું છે કે પૂર્વ CJIએ નિવૃત્તિ બાદ પણ તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કર્યું નથી.

    દિલ્હીના કૃષ્ણ મેનન માર્ગ પરનો બંગલા નંબર 5 પૂર્વ CJI ડીવાય ચંદ્રચૂડને ફાળવવામાં આવ્યો હતો. સરકારી નિયમો અનુસાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને બંગલો આપવામાં આવે છે. નવેમ્બર 2022થી નવેમ્બર 2024 સુધી દેશના CJI રહેલા ડીવાય ચંદ્રચૂડે નિયમો અનુસાર નિવૃત્તિ બાદ બંગલો ખાલી કરવાનો રહે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ પ્રશાસનનું કહેવું છે કે હજુ સુધી તેમ કરવામાં આવ્યું નથી. 

    હાલ સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા 33 છે. જેમાંથી ચાર જજોને હજુ સુધી સરકારી આવાસ ફાળવવામાં આવ્યા નથી. ત્રણ હાલ સુપ્રીમ કોર્ટના ટ્રાન્ઝિટ એપાર્ટમેન્ટમાં રહે છે અને એક સરકારી ગેસ્ટ હાઉસમાં. એ જ કારણ છે કે કોર્ટે પૂર્વ CJIનો બંગલો ખાલી કરાવવા માટે સરકારને પત્ર લખ્યો છે. 

    જોકે રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2024માં જ ડીવાય ચંદ્રચૂડે તત્ક્લીન CJI સંજીવ ખન્નાને પત્ર લખીને એપ્રિલ 2025 સુધી નિવાસસ્થાનમાં રહેવા માટે પરવાનગી માંગી હતી. કારણ એ આપવામાં આવ્યું હતું કે તેમને જે અન્ય આવાસ ફાળવવામાં આવ્યું છે તેમાં રિનોવેશનના કામમાં વિલંબ થઈ શકે તેમ છે. ત્યારબાદ એપ્રિલ અંતમાં તેમણે જૂન 2025 સુધીની પરવાનગી માંગી હતી. પરંતુ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ તેમણે ફરી એક પત્ર લખ્યો હોવાનું કહેવાય છે. 

    જોકે પૂર્વ ન્યાયાધીશે કહ્યું છે કે તેમનો વિલંબ કરવાનો કોઈ ઈરાદો નથી, પણ અમુક સંજોગોના કારણે આમ થઈ રહ્યું છે. જેવું નવું નિવાસસ્થાન તૈયાર થઈ જાય એટલે તેઓ પરિવાર સાથે ત્યાં શિફ્ટ થઈ જશે.