રશિયાના શહેર કઝાનમાં (Kazan) અમુક ઇમારતો પર ડ્રોન હુમલા (Drone Attack) કરવામાં આવ્યા છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલ-કાયદાએ કરેલા 9/11ની સ્ટાઈલમાં કરવામાં આવેલા આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રશિયન સરકારની સમાચાર એજન્સી રશિયા ટુડે (RT)એ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં એક ડ્રોન એક બહુમાળી મકાનમાં જઈને અથડાતું જોવા મળે છે.
⚡️Eight drone strikes reported in Kazan, with six targeting residential buildings, according to authorities pic.twitter.com/4XxqxLKN7Q
— RT (@RT_com) December 21, 2024
ત્યારબાદ અન્ય એક ઈમારતને નિશાન બનાવવામાં આવી. જાણવા મળ્યા અનુસાર, શહેરમાં 8 ઠેકાણે ડ્રોન સ્ટ્રાઈક કરવામાં આવી, જેમાંથી 6 રેસિડેન્શિયલ બિલ્ડિંગને ટાર્ગેટ કરાયાં.
હુમલામાં જાનહાનિ થઈ છે કે કેમ તે હજુ સુધી જાણકારી સામે આવી નથી. સાવચેતીના ભાગરૂપે કઝાનના એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે.
હુમલાનો આરોપ યુક્રેન પર લગાવવામાં આવી રહ્યો છે, જ્યાં રશિયા છેલ્લા લગભગ અઢી વર્ષથી સૈન્ય ઑપરેશન ચલાવી રહ્યું છે. સત્તાવાર રીતે બંને દેશોની સરકાર તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.