Thursday, May 22, 2025
More

    કેનેડાના વેનકુવરમાં ભીડ પર ચડાવી દીધી કાર, અનેક લોકોને કચડ્યા: ઘણાનાં મોત, અનેક ઈજાગ્રસ્ત

    કેનેડાના વેનકુવરમાં શનિવારે (26 એપ્રિલ) રાત્રે એક ઠેકાણે એકથી થયેલી ભીડ પર એક ઇસમે કાર ચડાવી દીધી હતી, જેમાં ઘણા મૃત્યુ પામ્યા છે, જ્યારે અમુકને ઈજા પણ પહોંચી છે. 

    વેનકુવર પોલીસે ઘટના પર એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, “ડ્રાઇવર કસ્ટડીમાં છે. તપાસ જેમ આગળ વધે તેમ અમે વધુ માહિતી પૂરી પાડીશું.” પોલીસ અનુસાર 30 વર્ષીય ડ્રાઈવર વેનકુવરનો જ રહેવાસી છે.

    ચોક્કસ કેટલા લોકો મૃત્યુ પામ્યા અને કેટલાને ઈજા થઈ એ હજુ સુધી પોલીસે જણાવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર અમુક વિડીયો ફરી રહ્યા છે, જેમાં રસ્તા પર મૃત હાલતમાં, ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા લોકો જોઈ શકાય છે. એક કાળા રંગની SUV જોઈ શકાય છે, જે લોકો પર ચડાવી દેવામાં આવી હતી. વિડીયોમાં અફરાતફરીનો માહોલ નજરે પડે છે. 

    પોલીસે હજુ એ પણ જણાવ્યું નથી કે આ કાર અટેક હતો કે એક અકસ્માત હતો. 

    ઉલ્લેખનીય છે કે આવી જ ઘટના અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષના દિવસે બની હતી, જ્યાં શમસુદ્દીન જબ્બાર નામના એક શખ્સે નવા વર્ષની ઉજવણી કરતા લોકો પર કાર ચડાવી દીધી હતી. ત્યારબાદ ટ્રકની બહાર આવીને ગોળીબાર પણ કર્યો હતો. જેમાં 10 લોકો માર્યા ગયા હતા.