પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનવા માટે જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બહુમતીથી હવે માત્ર તેઓ 3 વૉટ દૂર છે અને ઔપચારિકતાઓ જ રહી છે. એક રાજ્યમાં જીત સાથે જ ટ્રમ્પ બહુમત પાર કરી લેશે અને સત્તાવાર રીતે વિજેતા ઘોષિત થશે.
ડોનાલ્ડ ટ્રમ્પની હરીફાઈ ડેમોક્રેટ ઉમેદવાર અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ સાથે હતી. કમલાને 224 ઇલેક્ટોરલ વૉટ મળ્યા છે.
ટ્રમ્પનો આ બીજો અને અંતિમ કાર્યકાળ હશે. અમેરિકાના નિયમો પ્રમાણે કોઈ પણ વ્યક્તિ બે જ ટર્મ માટે રાષ્ટ્રપતિ રહી શકે છે. 2016થી 2020 દરમિયાન ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. 2020માં પણ તેમણે ઉમેદવારી કરી હતી, પણ જો બાયડન સામે પરાજય થયો હતો. હવે તેઓ બમણી શક્તિ સાથે સત્તામાં પરત ફર્યા છે.
હવે ઇલેક્ટોરલ કોલેજ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે, જે માટે સમય લાગશે. નવેમ્બર અને ડિસેમ્બરમાં ઔપચારિક પ્રક્રિયાઓ બાદ 6 જાન્યુઆરી, 2025ના રોજ ઇલેક્ટોરલ કોલેજ મતોની ગણતરી થશે અને સત્તાવાર રીતે નવા રાષ્ટ્રપતિની ઘોષણા કરવામાં આવશે. પરંપરા અનુસાર, 20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરશે.