Wednesday, May 14, 2025
More

    ટ્રમ્પના નિશાને ફરી આવી હાર્વર્ડ યુનિવર્સિટી, $2.2 બિલિયનની ગ્રાન્ટ રદ કર્યા બાદ હવે હેલ્થ રિસર્ચ ફંડ પર લગાવશે રોક: કારણ- ઈસ્લામિક કટ્ટરપંથ પર સંસ્થાએ ના કર્યો કંટ્રોલ

    તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump) વહીવટીતંત્ર અને હાર્વર્ડ યુનિવર્સિટીનો (Harvard University) વિવાદ ચર્ચામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ યુનિવર્સિટીને અપાતી ગ્રાન્ટ પર રોક લગાવી ચૂક્યા છે, ઉપરાંત યુનિવર્સિટીની વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા ઘટાડવાની પણ ચેતવણી આપી છે.

    હવે, એવા અહેવાલો આવ્યા છે કે ટ્રમ્પ, હેલ્થ રિસર્ચ માટે હાર્વર્ડને આપેલું વધારાનું 1 બિલિયન ડોલરનું ભંડોળ કાપવાની યોજના બનાવી રહ્યા છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર આ 1 બિલિયન ડોલરની ગ્રાન્ટનો કાપ 2.2 બિલિયન ડોલરની અગાઉની ગ્રાન્ટ પરની રોક, 60 મિલિયન ડોલરના બહુવર્ષીય કોન્ટ્રાક્ટને ફ્રીઝ કરવા સિવાયનો હશે.

    આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને ચેતવણી પણ આપી છે કે તેઓ તેમનો કરમુક્તિનો દરજ્જો પણ રદ્દ કરી શકે છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાર્વર્ડને તેની કેટલીક નીતિઓમાં ફેરફાર કરવા જણાવ્યું હતું, જેમાં યહૂદી વિરોધી વલણને રોકવા માટે તેના પ્રવેશ અને શિક્ષણ પદ્ધતિઓમાં ફેરફારનો સમાવેશ થાય છે.

    જોકે, યુનિવર્સિટીએ હજુ સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પની કોઈપણ માંગણીઓ સ્વીકારી નથી. આ પહેલાં પણ યુનિવર્સિટીએ આ માંગણીઓ સ્વીકારી નહોતી જેના કારણે ટ્રમ્પે ગ્રાન્ટ અને અન્ય કરારો રદ્દ કરવાની જાહેરાત કરી હતી.