Monday, March 3, 2025
More

    ‘ઈરાનનાં પરમાણુ ઠેકાણાં ઉડાવી દે ઇઝરાયેલ, બાકીની ચિંતા પછી કરે’: ડોનાલ્ડ ટ્રમ્પ

    ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઇઝરાયેલે પહેલાં ઈરાનની ન્યૂક્લિયર ફેસિલિટી તબાહ કરી દેવી જોઈએ, બાકીનું પછી વિચારવું જોઈએ. 

    ટ્રમ્પે નોર્થ કેરોલીનામાં એક રેલીમાં સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. સાથે તેમણે રાષ્ટ્રપતિ જો બાયડનની ટીકા પણ કરી. 

    તેમણે જો બાયડનની આ વિશે પત્રકારો સાથેની વાતચીતને ટાંકીને કહ્યું, “તેમણે (પત્રકારો)એ તેમને (બાયડન) પૂછ્યું, તમે ઈરાન વિશે શું વિચારો છો? તમે ઈરાન પર હુમલો કરશો? અને તેમણે કહ્યું, “જ્યાં સુધી તેઓ ન્યૂક્લિયર પર હુમલો ન કરે ત્યાં સુધી સારું છે. તમે એમ જ ઈચ્છો છો કે હુમલો થાય, ખરું?”

    ટ્રમ્પ આગળ કહે છે, “મને લાગે છે કે અહીં તેઓ ખોટા છે. શું તમે ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો કરવા નથી માંગતા? પરમાણુ હથિયારો જ તો આજના સમયમાં આપણી સામે સૌથી મોટું જોખમ છે. 

    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “જ્યારે બાયડનને પ્રશ્ન થયો ત્યારે જવાબ એ હોવો જોઈતો હતો કે, પહેલાં ન્યુક્લિયર પર હુમલો કરો, બાકીની ચિંતા પછી કરજો.”

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં લેબનાન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહના ચીફ નસરલ્લાહના મોત બાદ ઈરાને ઇઝરાયેલ પર મિસાઈલ હુમલો કરી દીધો હતો. ઇઝરાયેલ હવે તેનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે.