Friday, June 20, 2025
More

    ‘હું એમ નહીં કહું કે મેં કરાવ્યું, પણ મદદ કરી હતી’: ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ મુદ્દે ટ્રમ્પે સૂર બદલ્યા

    ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષનો અંત લાવીને યુદ્ધવિરામ કરાવ્યો હોવાના દાવા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે સૂર બદલ્યા છે. તેમણે કહ્યું કે, તેમણે જ કરાવ્યું એમ નથી પરંતુ તેમણે સ્થિતિ સામાન્ય કરવામાં મદદ કરી હતી. 

    એક સંબોધનમાં તેમણે કહ્યું, “હું એમ નહીં કહું કે મેં કર્યું, પણ મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ ઘણી કરી હતી.”

    આગળ તેમણે કહ્યું કે, “ગયા અઠવાડિયે આ પરિસ્થિતિ ઘણી વધારે કથળી હતી અને તમે જોયું હશે, જુદા-જુદા પ્રકારની મિસાઇલો પણ મારવાની ચાલુ થઈ ગઈ હતી.”

    ઉલ્લેખનીય છે કે 1૦ મેના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સહમત થયાં છે. ત્યારબાદ તેમણે પોતે આ યુદ્ધવિરામ કરાવ્યો હોવાના પણ દાવા કર્યા હતા. બીજી તરફ ભારત સરકારે સ્પષ્ટ કર્યું હતું કે કૉલ સીધો પાકિસ્તાન તરફથી આવ્યો હતો અને વચ્ચે કોઈ મધ્યસ્થી ન હતું અને આ મુદ્દો દ્વિપક્ષીય છે, જેમાં ત્રીજા કોઈ પક્ષના હસ્તક્ષેપની જરૂર પણ નથી. 

    સંભવતઃ બન્યું એવું હશે કે અમેરિકાએ બંને પક્ષો સાથે આ સંઘર્ષ દરમિયાન વાતચીત ચાલુ રાખી હતી અને બંનેને વાતચીત પર આવવા માટે આગ્રહ કર્યો હતો. આખરે ભારતની એર સ્ટ્રાઈકોથી ગભરાઈ ગયેલું પાકિસ્તાન અમેરિકાના કહેવાથી ભારત સાથે વાત કરવા માટે આવ્યું હતું. જેથી ટ્રમ્પે હસ્તક્ષેપ કર્યો હોવાની વાત સાચી છે, પરંતુ મધ્યસ્થી બનીને સુલેહ કરાવી હોવાની વાતોમાં અતિશયોક્તિ જણાય છે.