અમેરિકાની સુકાન સંભાળતાતની સાથે જ નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યા છે. પદ પર આવ્યાના પાંચમાં દિવસે તેમણે ઇઝરાયેલને 2000 પાઉન્ડના બૉમ્બ મોકલવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવીને પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનના નિર્ણયને પલટાવી દીધો છે. આ સાથે જ તેમણે ઇઝરાયેલને 2000 પાઉન્ડના બૉમ્બ સપ્લાય મોકલવાના આદેશો પર પણ હસ્તાક્ષર છે.
શનિવારે (25 જાન્યુઆરી) ટ્રુથ સોશિયલ પર તેમના સત્તાવાર હેન્ડલ પરથી ટ્રમ્પે એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, “ઇઝરાયેલે અમેરિકાને જે ઓર્ડર આપ્યા હતા અને જેનું પેમેન્ટ થઈ ચૂક્યું છે, તેને ઇઝરાયેલ મોકલવામાં આવી રહ્યું છે.” તેમની આ પોસ્ટ બાદ ટ્રમ્પ પ્રશાસનના એક અધિકારીને ટાંકીને અહેવાલોમાં જણાવવામાં આવ્યું કે, તેઓ 2000 પાઉન્ડના બૉમ્બ વિશે વાત કરી રહ્યા હતા.
નોંધનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડને મે 2024માં ગાઝાના રફા પર ઇઝરાયેલના ભીષણ હુમલાને રોકવાની દાનતથી તેમને મોટા બૉમ્બ સપ્લાય કરવી ના પાડી દીધી હતી. આ સપ્લાય પર રોક લાગવાના કારણે ઇઝરાયેલને મોકલવામાં આવનાર અન્ય હથિયારોની ખેપ પહોંચવામાં પણ મોડું થયું હતું. જોકે, તેમ છતાં નેતન્યાહુની સેનાએ રફા પર કબજો કરી લીધો હતો.
બાયડનના આ પગલાંથી પીએમ નેતન્યાહુને માઠું તો લાગ્યું જ હતું, સાથે જ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બાયડનની નીતિઓ પર પણ સવાલ ઉઠ્યા હતા. થોડો સમય બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ જેવી સ્થિતિ ઉદ્ભવી હતી. જોકે, ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે જ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે અને એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.