Saturday, April 26, 2025
More

    ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ પર 90 દિવસ માટે લગાવી રોક, પણ ચીન પર તાત્કાલિક અસરથી 125% ટેરિફ લાગુ કરવાની ઘોષણા

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઘોષણા કરીને અગાઉ દુનિયાભરના અનેક દેશો પર જે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ઘોષણા કરી હતી તેના અમલીકરણ પર રોક લગાવી છે. બીજી તરફ ચીન પર 125% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. સાથે કહ્યું કે આ નિર્ણયો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. 

    બુધવારે (9 એપ્રિલ) કરેલી એક ઘોષણામાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “ચીને જે વૈશ્વિક બજારો પ્રત્યે અસન્માન દર્શાવ્યું છે, તેને જોતાં હું તાત્કાલિક અસરથી ચીન પર અમેરિકા દ્વારા 125% ટેરિફ લાદવાની ઘોષણા કરું છું. તેમણે ઉમેર્યું કે, “આશા છે કે નજીકના ભવિષ્યમાં જ ચીનને સમજાઈ જશે કે અમેરિકા અને અન્ય દેશોને લૂંટવાના દિવસો હવે ગયા અને હવે એ સ્વીકાર્ય નથી.”

    સાથે ટ્રમ્પે કહ્યું કે દુનિયાના અન્ય દેશોએ રેસિપ્રોકલ ટેરિફની ઘોષણા બાદ પણ અમેરિકા વિરુદ્ધ કોઈ કડક પગલાં લીધા વિના સમાધાનકારી વલણ જ અપનાવ્યું છે, જેથી તેઓ રેસિપ્રોકલ ટેરિફ પર 90 દિવસ માટે રોક લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ દેશોએ અમેરિકન પ્રતિનિધિઓ સાથે, અમેરિકન વાણિજ્ય વિભાગ સાથે વેપાર, ટેરિફ, ચલણ વગેરે બાબતે સકારાત્મક ચર્ચાઓ કરવાના પ્રયાસ કર્યા છે અને કોઈએ વળતા જવાબ તરીકે કોઈ કાર્યવાહી કરી નથી. 

    ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની ઘોષણા કર્યા બાદ એકમાત્ર ચીને જ પ્રતિકાર કરીને પહેલાં 34% ટેરિફની ઘોષણા કરી હતી અને ત્યારબાદ 9 એપ્રિલના રોજ આ આંકડો 84% કરી દેવામાં આવ્યો. ત્યારબાદ અમેરિકામાં સવાર થઈ તો ટ્રમ્પે ટેરિફ સીધું 125% કરી દીધું.