Sunday, February 2, 2025
More

    ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા-મેક્સિકો પર ઠોકી 25% કસ્ટમ ડ્યુટી, ચીન પર પણ 10% લાગુ: ટ્રુડોએ વળતો જવાબ આપતા ટેરિફ વધારવાનું કર્યું એલાન

    કેનેડાએ રવિવારે (2 ફેબ્રુઆરી) 155 અરબ ડોલરના અમેરિકી આયાત પર 25% ટેરિફ લગાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબાને ઓન પોતાના ઈકોનોમી મિનિસ્ટરને દેશના હિતોની રક્ષા કરવા માટે ટેરિફ અને નોન-ટેરિફ ઉપાયોને લાગુ કરવા માટેનો આદેશ આપ્યો છે.

    આ સમગ્ર ઘટના ત્યારે શરૂ થઈ હતી, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે મેક્સિકો, કેનેડા અને ચીનના આયાત પર સખત ટેરિફ લગાવવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પના આદેશમાં એવું પણ કહેવાયું છે કે, જો કોઈ દેશ અમેરિકા વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરે છે તો અમેરિકા તરફથી ટેરિફ દરમાં વધારો કરી દેવામાં આવશે.

    ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર લખ્યું છે કે, “આજ (2 ફેબ્રુઆરી) મેં મેક્સિકો અને કેનેડાની આયાત પર 25% ટેરિફ અને ચીન પર 10% ટેરિફ લાગુ કર્યા છે. આ નિર્ણય ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઈકોનોમિક પાવર એક્ટ (IEEPA) હેઠળ લેવામાં આવ્યો છે. કારણ કે, ગેરકાયદે વિદેશીઓ અને ધાતક દવાઓના કારણે આપણાં નાગરિકો પર મૃત્યુનું જોખમ હતું, જેમાં ફેટેનાઇલ પણ સામેલ છે.”

    તેમણે કહ્યું કે, “આપણે અમેરિકીઓની રક્ષા કરવાની જરૂર છે અને એક રાષ્ટ્રપતિ તરીકે તે મારી જવાબદારી પણ છે કે, હું તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરું. મેં મારા અભિયાનમાં વચન આપ્યું હતું કે, હું ગેરકાયદે વિદેશીઓ અને ડ્રગ્સને દેશની સરહદમાં ઘૂસવા નહીં દઉં અને અમેરિકીઓએ તેના પક્ષમાં ભારે મતદાન પણ કર્યું છે.”

    હાલ તો અમેરિકી રાષ્ટ્રપતિના આ નિર્ણયને ‘ટ્રેડ વોર’ તરીકે જોવામાં આવી રહ્યા છે. કેનેડાએ તો વળતો જવાબ આપતા 25% ટેરિફ લગાવવાનું એલાન પણ કરી દીધું છે. આ સાથે જ મેક્સિકો પણ તે દિશા કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. પરંતુ ચીન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પગલાં ભરવામાં આવ્યા નથી. બની શકે કે ચીન પણ જવાબી કાર્યવાહી કરે.