Thursday, July 17, 2025
More

    હનુમાનજીના દર્શને પહોંચ્યા સંભલના ડીએમ અને જિલ્લા પોલીસ વડા, મંત્રોચ્ચાર સાથે કરી પૂજા: રાતોરાત લગાવી દેવાયા CCTV, ચુસ્ત બંદોબસ્ત ખડકાયો

    ઉત્તર પદેશના સંભલમાંથી (Sambhal) પ્રાચીન મંદિર મળી આવ્યા બાદ ત્યાં જિલ્લાના DM રાજેન્દ્ર પેંસિયા અને જિલ્લા પોલીસ વડા કૃષ્ણકુમાર બિશ્નોઈએ પૂજા-આરતી કર્યાં હતાં. 

    એક વિડીયો સામે આવ્યો છે, જેમાં બંને અધિકારીઓ મંદિરમાં ભગવાનની પૂજા કરતા જોવા મળે છે. બ્રાહ્મણો પણ જોવા મળે છે, જેઓ મંત્રજાપ કરી રહ્યા છે. 

    DM પેંસિયાએ જણાવ્યું હતું કે, “અમે સતત અતિક્રમણ હટાવી રહ્યા છીએ અને જે સ્થાયી દબાણ કરવામાં આવ્યું છે તેને પણ નિયત પ્રક્રિયા બાદ હટાવવામાં આવશે. હાલ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે. મંદિરની આસપાસ CCTV લગાવી દેવામાં આવ્યા છે, પૂજા પણ ચાલી રહી છે.” 

    નોંધવું જોઈએ કે આ બંને અધિકારીઓ જ શનિવારે (14 ડિસેમ્બર) સંભલમાં અતિક્રમણવિરોધી કાર્યવાહી કરી રહ્યા હતા તે દરમિયાન મંદિર મળી આવ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક પોલીસકર્મીઓ અને પ્રશાસનના અધિકારીઓએ જ મંદિરની સાફસફાઈ કરવા માંડી હતી. 

    આ મંદિર સેંકડો વર્ષ પ્રાચીન હોવાનું કહેવામાં આવે છે. 1978માં અહીંથી હિંદુઓ પલાયન કરી ગયા બાદ બંધ પડી ગયું હતું. ચાર દાયકા બાદ ફરી ખૂલ્યું છે.