કોંગ્રેસના નેતૃત્વવાળા ઝારખંડમાં (Jharkhand) તિસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનવમી (Ram Navami) અને ઈદને (Eid) ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. જેનું નેતૃત્વ PI પાસ્કલ ટોપો અને SHO સંજય કુમારે કર્યું હતું. આ બેઠકમાં રામનવમી પૂજા દરમિયાન કાઢવામાં આવતી શોભાયાત્રાના લાયસન્સ રીન્યુ કરવાનું કહેવામાં આવ્યું હતું.
ત્યારે આ દરમિયાન જેટલા પણ ક્ષેત્રોમાંથી રામનવમીની શોભાયાત્રા નીકળવાની હતી તેના કમિટી સદસ્યોએ શોભાયાત્રાનો રૂટ બતાવીને લાયસન્સ રીન્યુ કરાવ્યા હતા. આ દરમિયાન અધિકારીઓએ ઝારખંડની કોંગ્રેસ સરકારની ગાઈડલાઈન્સ આપી હતી.
હિન્દુસ્તાનના અહેવાલ અનુસાર SHO સંજય કુમારે કહ્યું હતું કે, રામનવમીની શોભાયાત્રા દરમિયાન કોઈપણ સંજોગોમાં ડીજે વાગવું જોઈએ નહીં. જો ડીજે વગાડવામાં આવશે, તો ડીજે જપ્ત કરી લેવામાં આવશે અને કમિટીના સભ્યો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે આ ઝારખંડ સરકાર અને હાઇકોર્ટ બંનેની ગાઈડલાઈન્સ છે. તેમણે એવી પણ સુચના આપી હતી કે દર વર્ષે જે રસ્તેથી શોભાયાત્રા નીકળે છે આ વર્ષે પણ ત્યાંથી જ કાઢવામાં આવે. તેમણે બંને સમુદાયને શાંતિની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે રામનવમી અને ઈદના ઉત્સવમાં જે ખલેલ પહોંચાડશે તેને બક્ષવામાં નહીં આવે.