Monday, April 7, 2025
More

    ‘તું તો ભિખારી નીકળ્યો’: સાળીને જૂતા ચોરવા પર મો માંગી રકમ ન આપી તો થઈ ગઈ બબાલ, દુલ્હનના પરિવારે દુલ્હા સાબિર અને બારાતીઓને માર્યો ઢોરમાર

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બિજનૌરના (Bijnor) નજીબાબાદ વિસ્તારમાં એક નિકાહમાં જૂતા ચોરીની (Joota Chori Ritual) રસમ દરમિયાન ઝગડો થઈ ગયો હતો, ત્યારપછી દુલ્હન પક્ષના લોકોએ દુલ્હા મહોમ્મદ સાબિર, તેના અબ્બા સહિતના લોકોને માર માર્યો હતો. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે સમાધાન કરાવી આપ્યું હતું.

    સોશિયલ મીડિયા પાર મહોમ્મદ સાબિર નામક યુવકનો વિડીયો વહેતો થયો હતો. જેમાં તે કહી રહ્યો છે કે, જૂતા ચોરવાની રસમ દરમિયાન તેની સાળીએ તેની પાસેથી ₹50,000 માંગ્યા હતા. જોકે, તેણે ₹5,000 આપતા દુલ્હન પક્ષના લોકોએ તેને ભિખારી ગણાવી દીધો હતો.

    સાબિરનો દાવો છે કે ઝગડો વધતા દુલ્હન પક્ષના લોકોએ સાબિર, તેના અબ્બા, તેના ભાઈઓ, ચાચા, વાલિદ સહિતના લોકોને ઘરમાં પૂરીને માર માર્યો હતો. બીજી તરફ, દુલ્હન પક્ષે સાબિરના પરિવાર પર દહેજ લેવાનો આરોપ લગાવ્યો હતો.

    આ બોલાચાલી વચ્ચે ઝગડો વધી ગયો હતો. ત્યારે ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

    પોલીસે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. CO નજીબાબાદ અનુસાર, “નિકાહ સમારોહ દરમિયાન વિવાદ થયો હતો. બંને પક્ષો પોલીસ સ્ટેશન આવ્યા હતા. બંને પક્ષો વચ્ચે એક સમજૂતી થઈ ગઈ છે. કોઈપણ પક્ષ દ્વારા કોઈ ફરિયાદ નોંધાઈ નથી.”